જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
Read FAQRegister Complaintઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

પરિચય

રાજ્યમાં ગરીબોની અન્‍ન સલામતિ માટે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મુકવામાં આવેલ છે. જેને કાર્યરત કરવા માટે અન્‍ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠા કચેરી અગત્‍યની ભુમિકા ભજવે છે. જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના સંચાલન માટે અનેકવિધ એજન્‍સીઓ સાથે સંકલન હાથ ધરી અનાજ તેમજ અન્‍ય ચીજ-વસ્‍તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે તે માટેની મોનીટરીંગ તથા સુપરવીઝનની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત, આવશ્‍યક ચીજ વસ્‍તુ ધારા તેમજ તે હેઠળના કંટ્રોલ ઓર્ડર મુજબ ચીજવસ્‍તુઓની માંગ અને પુરવઠા ઉપર નિયંત્રણ અને દેખરેખ પણ રાખવામાં આવે છે.

વ્‍યવસ્‍થા તંત્ર

ઉપર જણાવેલ કામગીરી બજાવવા માટે નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠાની રાજ્ય કક્ષાની કચેરી ગાંધીનગર ખાતે આવેલ છે. જ્યારે આ કચેરીની કામગીરી માટે જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રી અને તાલુકા કક્ષાએ તાલુકા મામલતદારશ્રી એ પોતપોતાના કાર્યક્ષેત્રમાં ફરજો બજાવે છે.

વાજબી ભાવની દુકાન (પસંદગી અને નિમણુંક)

આવશ્‍યક ચીજ વસ્‍તુ અધિનિયમ ૧૯૫૫ હેઠળ બહાર પડાયેલ આદેશો અન્‍વયે લાયસન્‍સ આપવાની કામગીરી જિલ્‍લા કક્ષાએ કલેકટરશ્રી જિલ્‍લા પુરવઠા અધિકારી/મામલતદારશ્રીએ કરવાની થાય છે. જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના સુચાર સંચાલન માટે રાજ્ય સરકારે ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારો માટે નક્કી કરેલ વસતિના ધોરણે દરેક તાલુકા અને શહેરી વિસ્‍તાર (ઝોન) માં વાજબી ભાવની દુકાનો માટે ચોક્કસ વિસ્‍તારો નિર્ધારીત કરવામાં આવે છે અને દરેક વાજબી ભાવની દુકાન વિસ્‍તાર માટે વાજબી ભાવની દુકાનોના સંચાલકોની પસંદગીની કાર્યવાહીતાલુકા સલાહકાર સમિતિની ભલામણ મેળવી જિલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષપણા હેઠળ જિલ્‍લા સલાહકાર સમિતિના નિર્ણય મુજબ જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીએ કરવાની થાય છે. ઉપરાંત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા કંટ્રોલ ઓર્ડર હેઠળ પરવાના આપવાની કામગીરી પણ જીલ્‍લા કક્ષાએથી કરવામાં આવે છે.

આવશ્‍યક ચીજ વસ્‍તુની વિતરણ વ્‍યવસ્‍થા

જાહેર વિતરણ વ્‍યવસ્‍થા માટે ભારત સરકારના અન્‍ન અને જાહેર વિતરણ વ્‍યવસ્‍થા મંત્રાલય વાર્ષિક / ત્રિમાસિક / માસિક ધોરણે અનાજ અને ખાંડની ફાળવણી કરે છે. જ્યારે પેટ્રોલીયમ મંત્રાલય દ્વારા વાર્ષિક / ત્રિમાસિક ધોરણે કેરોસીનની ફાળવણી કરે છે. રાજ્યમાં રેશનકાર્ડ ધારકોના પ્રકાર, જન સંખ્‍યા તેમજ કાર્ડ દીઠ મળવાપાત્ર આવશ્‍યક ચીજ વસ્‍તુઓના ધોરણો નજર સમક્ષ રાખી માસની શરૂઆતમાં રાજ્ય કક્ષાએ ઉપલબ્‍ધ આવશ્‍યક ચીજ વસ્‍તુઓના જથ્‍થાનું જીલ્‍લાવાર સપ્રમાણ વિતરણ કરવામાં આવે છે. જેના આધારે જિલ્‍લા પુરવઠા અધિકારીઓએ તાલુકા (ગ્રામ) અને શહેરી તાલુકા (ઝોન) માટેની ફાળવણી કરે છે. જ્યારે તાલુકા મામલતદારશ્રીઓ / ઝોનલ અધિકારીશ્રીઓએ વાજબી ભાવની દુકાનો, કેરોસીન રીટેલરો / ફેરીયાઓને કાર્ડ ધારકો સુધી વિતરણ માટે માસિક ધોરણે આવશ્‍યક ચીજ વસ્‍તુઓની પરમીટ આપે છે. સંબંધિત વાજબી ભાવના દુકાનદારોએ આ પરમીટમાં જણાવેલ જથ્‍થો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ હેઠળના ગોડાઉનો ખાતેથી મેળવવાનો હોય છે. જ્યારે ભારત સરકારની ઓઇલ કું. દ્વારા નીમેલ અને જીલ્‍લા ખાતે આવેલા કેરોસીન એજન્ટો‍ દ્વારા પરમીટ મુજબનો કેરોસીનનો જથ્‍થો જે તે વાજબી ભાવની દુકાન / કેરોસીન રીટેલર કે ફેરીયાઓના સ્‍થળ સુધી પહોંચાડવાની (ડોર સ્‍ટેપ ડીલીવરી) વ્‍યવસ્‍થા કરી આપવાની રહે છે.

રેશનકાર્ડ

સામાન્‍યતઃ રાજ્યની અંદર વસવાટ કરતાં દરેક કુટુંબોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો આપી તેમના વિસ્‍તારના તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહે છે. સીટીઝન ચાર્ટરની જોગવાઇ મુજબ તાલુકા મામલતદાર શ્રી/ઝોનલ અધિકારીશ્રીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરીયાત મુજબ સ્‍થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરી, કુટુંબના વડા/સભ્‍યોની ફોટા અને બાયો મેટ્રીક વિગતો મેળવી, બારકોડેડ રેશનકાર્ડ ઇસ્‍યુ કરવાનું થાય છે. બારકોડેડ રેશનકાર્ડ યોજના હેઠળ કાર્ડ ધારકે તેઓની બાયોમેટ્રીક વિગતોને આધારે ઇ-ગ્રામ / સાયબર કાફેની મુલાકાત લઇ તેઓની કાર્ડની કેટેગરીને અનુરૂપ મળવાપાત્ર આવશ્‍યક ચીજ વસ્‍તુના જથ્‍થાની બારકોડેડ કુપનો મેળવવાની થાય છે. એ-૪ સાઇઝની બારકોડેડ કુપનીશીટ ઉપર કાર્ડ ધારકોને મળવાપાત્ર તમામ ચીજ વસ્‍તુઓ દીઠ વ્‍યક્તિગત કુપનો પ્રિન્‍ટ કરી આપવામાં આવે છે. અને તે કુપનો ઉપર કાર્ડ ધારકનું નામ, કાર્ડની જન સંખ્‍યા, જે દુકાનમાંથી જથ્‍થો મેળવવાનો છે તે દુકાનદારનું નામ, જે તે માસ માટે મળવાપાત્ર ચીજ વસ્‍ત્‍ુની માત્રા, કીંમત વગેરે જેવી તમામ વિગતો પણ દર્શાવવામાં આવે છે. રાજ્ય સરકારે આ કુપનશીટની કિંમત રૂ. પ/- નક્કી કરી છે. કુપનશીટના વચ્‍ચેના ભાગમાં કાર્ડધારકની પ્રત પણ છાપીને આપવામાં આવે છે. જ્યારે એ/૪ સાઇઝની પેપરશીટ ઉપરના બંને છેડા ઉપર આવેલી બારકોડેડ કુપનો આવશ્‍યકતા અનુસાર કાપીને વાજબી ભાવના દુકાનદાર / કેરોસીન એજન્‍ટ / ફેરીયાને દર્શાવેલ રકમ ચુકવી કુપન પર છાપેલ જથ્‍થો મેળવવાનો રહે છે. સાથો સાથ બારોકોડેડ રેશનકાર્ડમાં પણ જે તે વર્ષના માસ દરમ્‍યાન મેળવેલ આવશ્‍યક ચીજ વસ્‍તુઓના જથ્‍થાની નોંધ પણ કરાવવાની રહે છે. આવનાર દિવસોમાં બારકોડેડ રેશનકાર્ડ ધારક કોઇ પણ વાજબી ભાવની દુકાન ખાતેથી આવશ્‍યક ચીજ વસતુઓનો જથ્‍થો મેળવી શકે છે તે માટેની વ્‍યવસ્‍થા આપવા પણ વિચારણા હેઠળ છે.

બારકોડેડ રેશનકાર્ડ તેમજ બાયો મેટ્રીક આધારિત કુપનની પદ્ધતિના અમલ થકી વાજબી ભાવના દુકાનદાર કે કેરોસીનના રીટેલર કે ફેરીયા ઉપર જણાવ્‍યા પ્રમાણે મેળવેલ કુપનનો પોતાની અનુકૂળતાએ, પણ કોઇપણ સંજોગોમાં, માસના અંત પહેલા ઇગ્રામ/સાયબર કાફેની મુલાકાત લઇ વંચાણ કરાવવાની રહેશે. આવનાર દિવસોમાં વાજબી ભાવના દુકાનદારો કે કેરોસીનના ફેરીયાઓ / રીટેલરોએ કુપન પદ્ધતિએ માસ દરમ્‍યાન જે વસ્‍તુઓનું વેચાણ કરેલ હશે તે મુજબ આવશ્‍યક ચીજ વસ્‍તુના જથ્‍થા માટે તે પછીના મહિનાની પરમીટ મળવી શકશે. આ મુજબની વ્‍યવસ્‍થા ટુંકસમયમાં કરવામાં આવશે.

પારદર્શિતા અને ફરિયાદ નિવારણ વ્‍યવસ્‍થા તંત્ર

વાજબી ભાવના દુકાનદાર કે કેરોસીન રીટેલર / ફેરીયા સાથે જોડાયેલા કાર્ડ ધારકોની યાદી પણ આ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. આ યાદીમાં કાર્ડ ધારકનું નામ, કુટુંબના સભ્‍યોની સંખ્‍યા, કાર્ડની કેટેગરી તેમજ કાર્ડ સાથે જોડાયેલ એલપીજી / પીએનજી કનેકશનની વિગતો પણ દર્શાવવામાં આવી છે. દર માસે રેશનકાર્ડ કેટેગરી મુજબ મળવાપાત્ર આવશ્‍યક ચીજ વસ્‍તુઓના જથ્‍થો તેમજ તેની કિંમત પણ આ વેબસાઇટ પર દર્શાવવામાં આવી છે.

આવશ્‍યક ચીજ વસ્‍તુ ધારા હેઠળ પેટ્રોલ/ ડીઝલ/ રાંધણગેસ/ કેરોસીનના વેપરીઓએ મામલતદારશ્રી પાસેથી પરવાનો મેળવવાનો થાય છે. રાજ્ય સરકારની નીતિ મુજબ એલપીજી કે પીએનજી કનેકશન ધરાવનાર કુટુંબોને કેરોસીનનો જથ્‍થો ફાળવવામાં આવતો નથી. તેથી રાજ્યની જિલ્‍લાવાર અધિકૃત એલપીજી એજન્‍સી દીઠ કનેકશન ધારકોની જિલ્‍લાવાર યાદી પણ આ વેબસાઇટ પર મુકવામાં આવનાર છે. એ જ પ્રમાણે પીએનજી કનેકશન ધરાવતાં રહેણાંકોની વિગતો પણ આ વેબસાઇટ પર મુકવામાં આવનાર છે. આ વિગતો જાહેર જનતા જોગ મુકવાનો આશય એમ છે કે સરકારી રેકર્ડમાં અગર કોઇ કાર્ડ ધારક વિશેની માહિતીમાં ભુલ જણાય તો રાજ્યની કોઇપણ વ્‍યક્તિ ઓનલાઇન ચકાસણી કરી શકે અને ફીડબેક સ્‍વરૂપે આ કચેરીનું ધ્‍યાન દોરી શકશે. જેથી સુધારા-વધારા માટે જરૂરી પગલા લઇ શકાશે.

તકેદારી વ્‍યવસ્‍થા તંત્ર

આવશ્‍યક ચીજ વસ્‍તુઓનું વિતરણ રાહત દરે કરવામાં આવે છે. એટલે કે આવશ્‍યક ચીજ વસ્‍તુઓ બજાર કિંમત કરતાં ઓછા ભાવે વિતરણમાં મુકવામાં આવે છે. આ ચીજ વસ્‍તુઓના સપ્‍લાય ચેઇન ને કાર્યરત કરતી સંસ્‍થાઓ જેમ કે, ભારતીય ખાદ્યનિગમ (FCI) , ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ (GSCSC), કેરોસીન એજન્‍ટો/ફેરીયાઓ, વાજબી ભાવના દુકાનદારો વગેરે ના સ્‍તરે કોઇપણ પ્રકારની અનિયમિતતા થયેલ હોય તો તે અંગેની વિગતો રાજ્ય સરકારને ટોલ ફ્રી ફોન પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકે છે અથવા આ વેબસાઇટ ઉપર પણ ફીડબેક સ્‍વરૂપે માહિતી આપી શકશે.

ગ્રામ્‍ય અને શહેરીની તકેદારી સમિતિઓ

વાજબી ભાવની દુકાનોના વિસ્‍તાર દીઠ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં તકેદારી સમિતિઓની નિમણુંક કરવામાં આવેલ છે. આ સમિતિઓમાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, ગ્રામ પંચાયતના મહિલા સભ્‍ય ઉપરાંત ગરીબી રેખા નીચેના કાર્ડ ધારકો પૈકી બે કાર્ડ ધારકોને સભ્‍ય તરીકે નિમવામાં આવે છે. આ તકેદારી સમિતિએ વાજબી ભાવની દુકાન ખાતે આવશ્‍યક ચીજ વસ્‍તુઓની આવક અને વિતરણ ઉપર દેખરેખ રાખવાની થાય છે. તેમજ વાજબી ભાવની દુકાન ખાતે રાખવામાં આવતા સ્‍ટોક રજીસ્‍ટર અને વેચાણ રજીસ્‍ટર વગેરેની નિયમિત રીતે ચકાસણી કરવાનું થાય છે.

આવશ્‍યક ચીજ વસ્‍તુ ધારો તેમજ પેટ્રોલીયમ એકટ હેઠળ જે ચીજ વસ્‍તુઓનું નિયંત્રણ કરવાનું થાય છે, તેના સંગ્રહ, લે-વેચ વગેરેને લગતી કામગીરી માટે નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરી તેમજ જિલ્‍લા પુરવઠા અધિકારી અને મામલતદારશ્રીએ તેઓના હસ્‍તકના તકેદારી એકમો મારફત મળેલ ફરિયાદોની તપાસ કરી કાયદાની જોગવાઇનું પાલન થાય છે કે કેમ, તેની ખાતરી કરી જે કિસ્‍સામાં ભંગ જણાતો હોય તેવા કિસ્‍સામાં અધિકારીએ આવશ્‍યક ચીજ વસ્‍તુઓના જથ્‍થાને સીઝ કરી ખાતા રાહે પગલા લેવામાં આવે છે. ગંભીર ગુનાના કિસ્‍સામાં પોલીસ ફરિયાદ અને જરૂરીયાત અનુસાર કળા બજાર નિવારક ધારા હેઠળ અટકાયતના પગલા પણ લેવામાં આવે છે.

નિયામકશ્રીની કચેરીનું ઓર્ગેનાઇઝેશન

ઉપરોક્ત તમામ કામગીરી માટે નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠાની કચેરીમાં આવેલ શાખાઓમાં અલગ અલગ વિષયોની ફાળવણી કરેલ છે. વહિવટી માળખું જોવા અહીં ક્લીક કરો.

જનજાગૃતિ અભિયાન

રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડની કેટેગરી પ્રમાણે લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ કઇ કઇ આવશ્‍યક ચીજ વસ્‍તુઓ શું પ્રમાણ અને ભાવથી માસ દરમ્‍યાન વિતરિત કરવામાં આવશે. તેની જાણકારી માટે રાજ્યના રેશનકાર્ડ ધારકો જોગ અગત્‍યના દૈનિક અખબારોમાં બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવે છે.

આવશ્‍યક ચીજ વસ્‍તુઓના ભાવોનું મોનીટરીંગ

આવશ્‍યક ચીજ વસ્‍તુઓ પૈકી અગત્‍યની ૨૮ જેટલી ચીજ વસ્‍તુઓના રોજે રોજના મુક્ત બજારમાં પ્રવર્તતા ભાવો રાજ્યના અમદાવાદ અને રાજકોટ મથકેથી એકત્રિત કરવામાં આવે છે અને તે કેન્‍દ્ર સરકારશ્રીને મોકલવામાં આવે છે.

મુખ્ય લિંક પર જાઓ